નવા ફોજદારી કાયદાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન તથા .એમ.પી. સરકારી લો કોલેજના સંયુક્ત ઉપક્રમે નવા ફોજદારી કાયદાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન અને .એમ.પી. સરકારી લો કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧/૦૭/૨૦૨૫ના રોજ એલએલ.એમ. અભ્યાસક્રમના ભાગરૂપે "નવા ફોજદારી કાયદાઓ" વિષય પર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ કાયદાના વિદ્યાર્થીઓને ભારતમાં અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓ અંગે સચોટ અને વ્યવહારુ સમજ પ્રદાન કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ ના મુખ્ય પ્રાવધાનો, તેમના ઉદ્દેશ્યો, અગાઉના કાયદાઓની તુલનામાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો તેમજ તેમના વ્યવહારિક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કાયદા ક્ષેત્રે થઈ રહેલા તાજેતરના કાયદાકીય સુધારાઓ, ન્યાયતંત્રમાં તેમના પ્રભાવ તેમજ કાયદાના વિદ્યાર્થીઓ માટે નવા ફોજદારી કાયદાઓના અભ્યાસના મહત્વ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વિવિધ કાયદાકીય મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં બંને સંસ્થાઓના અધ્યાપકગણ તથા ખૂબ મોટી સંખ્યામાં કાયદાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી અને નવા ફોજદારી કાયદાઓ અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી હતી.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને સમયાંતરે આવા શૈક્ષણિક અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને સમકાલીન કાયદાકીય વિકાસથી માહિતગાર કરી તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષમતામાં વધારો થઈ શકે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

11-07-2025